બટાટાની ખેતીને લઈ મશહૂર બનેલા ડીસા તાલુકાના ખેડૂતોમાં હવે બટાટાની ખેતી તરફ મોહભંગ થઈ રહ્યો છે. કારણ કે, આ વર્ષે બટાટાનું ઉત્પાદન તો સારું થયું છે
બટાકાની ખેતીથી જાણીતા બનેલ ડીસામાં ખેડૂતોને પડતા પર પાટુ
ખેડૂતો બટાકાની ખેતી સિવાય અન્ય પાકનાં વાવેતર તરફ વળ્યા
પાંચ વર્ષમાં 21 ટકા જેટલો બટાકાના વાવેતરમાં ઘટાડો નોંધાયો
બટાટાની ખેતીને લઈ મશહૂર બનેલા ડીસા તાલુકાના ખેડૂતોમાં હવે બટાટાની ખેતી તરફ મોહભંગ થઈ રહ્યો છે. કારણ કે, આ વર્ષે બટાટાનું ઉત્પાદન તો સારું થયું છે પરંતુ ખરા સમયે જ ખેડૂતોને બટાટાના પોષણક્ષણ ભાવ ન મળતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ કોલ્ડ સ્ટોરેજ એશોસીએશન દ્વારા કંઈક એવા નિયમો બનાવવામાં આવ્યા છે જે ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન બની રહ્યા છે.
ખેડૂતોએ જમીનમાંથી બટાકા કાઢવાનું શરૂ કર્યું
ખેડૂતોએ બટાટાની ખેતીની શરૂઆત લગભગ ૧૦૦ વર્ષ પહેલા કરી હતી
ગુજરાતમાં ડીસા શહેરનું નામ સહુથી વધુ ઠંડી અને ગરમીની સાથે સાથે બટાટાના ઉત્પાદન તરીકે પણ મશહૂર છે. આજે વાત બટાટાનાની કરવી છે. ડીસામાં ખેડૂતોએ બટાટાની ખેતીની શરૂઆત લગભગ ૧૦૦ વર્ષ પહેલા કરી હતી. વર્ષો પહેલા વાવેતર નદીમાં થતું હતું તે જ બટાટાનું વાવેતર નદીમાથી બહાર આવીને ખેતરોમાં થવા લાગ્યું છે. ડીસાના બટાટા તેની ગુણવત્તાને લઈ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત માનવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બટાટાના ભાવોમાં અનિયમિતતા જોવા મળી રહી છે. તો બીજી તરફ બટાટાની ખેતી પણ દિવસેને દિવસે મોંઘી બનતી જઈ રહી છે. અનેક ચીજવસ્તુઓમાં ભાવ વધ્યા છે પણ બટાટાના ભાવ છેલ્લા ત્રીસ વર્ષની સપાટીની આસપાસ જ રહ્યા છે.આથી ખેડૂતોને હવે બટાટાની ખેતી મોંઘી પડી રહી છે. પરિણામે ડીસા તાલુકાના ખેડૂતો જે બટાટાની ખેતી તરીકે જાણીતા હતા તે ખેડૂતોનો બટાટાની ખેતીથી મોહભંગ થતો જઈ રહ્યો છે.
પાંચ વર્ષમાં ડીસામાં 21 ટકા જેટલો બટાકાના વાવેતરમાં ઘટાડો
પરિણામ એ આવ્યું છે કે, ડીસામાં જ છેલ્લા વર્ષમાં બટાટાના વાવેતરમાં સતત ઘટાડો નોંધાયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં જ ડીસા તાલુકામાં એકવીસ ટકા જેટલું બટાટાનું વાવેતર ઘટી ચૂક્યું છે.. આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં સૌથી વધુ બટાટાનું વાવેતર થયું હતું. ખેડૂતોને એવી આશા હતી કે આ વખતે સારાભાવ મળશે. પરંતુ તેમની આશા પર પાણી ફરી રહ્યું છે. અત્યારે જ્યારે બટાટાનો માલ તૈયાર થઈ ચૂક્યો છે અને ખેડૂતોએ ખેતર બહાર બટાટા કાઢવાની શરૂવાત કરી છે ત્યારે જ બટાટાના ભાવ તળિયે બેસી ગયા છે. ખેડૂતોને 1 વિઘામાં બટાટાના વાવેતરનો ખર્ચ 30 હજારથી વધુ થયો છે. પરંતુ હાલનો બજારભાવ જોતાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે તવું લાગી રહ્યું છે. અધૂરામાં પૂરું વેપારીઓ અને સ્ટોરમાલિકોએ યૂનિયન કરીને જે નિયમો બનાવ્યા છે તે ખેડૂતો માટે પડ્યા પર પાટું સમાન છે.
બદલાતા વાતાવરણ થી નુકશાન વેઠવી રહ્યા છે
ખેડૂતોને હાલમાં માત્ર 60 થી 150 રૂપિયા જેટલો ભાવ જ મળી રહ્યો છે
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક તરફ વારંવાર બદલાતા વાતાવરણ થી નુકશાન વેઠવી રહ્યા છે તો બીજી તરફ આ વર્ષે થયેલ બટાટાના સૌથી વધુ વાવેતરમાં નુકશાની વેઠી રહ્યા છે. બટાટાનો પાક તૈયાર થઈ ચુકયો છે પરંતુ ખેડૂતોને હાલમાં માત્ર 60 થી 150 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતો પોતાના ખેતરમાંથી બટાટા કાઢવાનું કામ રોકી દેવા મજબૂર થયા છે. વધુમાં અન્ય પાકોનું વાવેતર કરવાનો સમય થઈ ગયો હોવા છતાં પણ હાલ ખેડૂતો વાવેતર ન કરી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ બધા વચ્ચે વેપારીઓએ બનાવેલા કોલ્ડ સ્ટોરેજના નિયમો ખેડૂતોને શોષણ કરનારા લાગી રહ્યા છે. આથી તેની સામે ખેડૂત વર્ગ પણ પોતાના નિયમો બનાવવા જઈ રહ્યો છે.
ખેડૂતો બટાકાને જમીનમાંથી કાઢી કોલ્ડસ્ટોરેજમાં મુકે છે
બટાટામાં નુકસાન વેઠી રહેલા બનાસકાંઠાના ખેડૂતો અન્ય ખેતી તરફ વળી રહ્યા છે
આમ, છેલ્લા પાંચ વર્ષથી સતત બટાટામાં નુકસાન વેઠી રહેલા બનાસકાંઠાના ખેડૂતો અન્ય ખેતી તરફ વળી રહ્યા છે, આ વર્ષે જે પ્રમાણે બટાટાના તૈયાર પાક સમયે જ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. તેને લઈ હવે ખેડૂતોમાં બટાટાના ઉત્પાદન પ્રત્યે મોહ ભંગ જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી સમયમાં ચોક્કસથી કહી શકાય કે, બટાટાના સતત નુકસાનમાંથી બહાર ન નીકળતા ખેડૂતો અન્ય ખેતી તરફ વળે તો નવાઈ નહીં.





1 Comments
👌👌👌
ReplyDelete